ખીલ અને તેના ડાઘાને જડમૂળથી દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય. ચેહરો બની જશે એકદમ ક્લિન અને ગોરો

 ઘણી વખત એવું બને છે કે યુવાનીનો તરવરાટ હોય સાથે ઈશ્વરે સુંદર, નમણો ચહેરો આપ્યો હોય એટલું જ નહીં પણ બુદ્ધિપ્રતિભા પણ કુદરતે એટલી જ આપી હોય પણ આવા જ સુંદર, રૂપાળા કે નમણા ચહેરા ઉપર ચૌદ-પંદર વર્ષની ઉંમરની શરૂઆત થતા જ મોટા ટબ્બા જેવા પાકતા વિત્ત ખીલોની પરંપરા એક ધારી પચ્ચીસ-ત્રીશ વર્ષની ઉંમર સુધી પહોંચવા છતા વણથંભી ચાલુ જ હોય અને ચહેરાની સૌંદર્યતાને આ વિકૃત્ત ખીલોની વણજાર ભાંગીને ભૂક્કો કરી નાંખી હોય તે માટે ઘણી ઘરમેળે કે તબીબો પાસે જઈને ઉપર છલ્લી તૂટક તૂટક દવા વર્ષો થયા ચાલતી હોય તોય કાંઈ ખાસ નોંધપાત્ર ફાયદો જણાતો ન હોય ત્યારે આવા યુવક યુવતીઓ માનસિક રીતે ખૂબ જ નિરાશ થઈ મનમાંને મનમાં ખૂબ જ મૂંઝવણ અનુભવતા હોય છે અને તેઓ જીવ બાળી બાળીને હતાશ થઈ ગયા હોય છે.


કોઈ કોઈ વખત તો આવા યુવક,યુવતીઓ સમાજમાં, જાહેર સમારંભોમાં, કોઈ સારા નરસા પ્રસંગોમાં, કોઈ મેલાવડામાં પાર્ટીમાં કે કોઈ સારી પ્રવૃત્તિમાં ભાગ લેતા સંકોચાતા હોય છે કે શરમ અનુભવતા હોય છે. ઘણી વખત આવા વિકૃત્ત ખીલના ચહેરાથી યુવક, યુવતી સગાઈ લાયક થઈ ગયા હોવા છતા તેઓના ભવિષ્યમાં આડખીલી રૂપ થતા ખીલોથી “હમણા ખમો" એમ પોતાના માબાપને આડકતરી રીતે નિર્દેશ કરી દેતા હોય છે. આમ આવા યુવક, યુવતીઓનું સારુ ઉચ્ચ ભવિષ્ય આવા વિકૃત્ત ચહેરાના ખીલો રગદોળીને ઘણી વખત ઉંમર મોટી કરી નાખે છે અને કાં ઝાંખી પડેલી સૌંદર્યતામાં પોતાનું ભવિષ્ય આ જ કારણે પોતાથી ઊતરતી કક્ષામાં જોડીને નિભાવી લેવું પડે છે.

આ વિશેના થોડાક કારણોમાં ઊતરીએ તો પેટની ખરાબી કબજિયાત, આમદોષ, અજીર્ણ, વધારે પડતા ગળપણ, માવાની ચીજો અને તળેલા પદાર્થોનો ખાવાનો શોખ, વધારે ચટણી, મસાલા, રાઈવાળા પદાર્થો, ગરમ ખોરાક, ડુંગળી, લસણ વગેરે અતિ તેજાનાથી ભરપૂર ખોરાક ખાવાનો શોખ, મંદાગ્નિ હોવા છતા ઠાંસી ઠાંસીને ખાવાની ટેવ, વધારે પડતી આમલી, અતિ ખટાશ યુક્ત આહાર, વધારે પડતા ખટાશયુક્ત કોલ્ડ્રિક્સ, વધારે પડતી ચા, અતિ દારૂ, અનિયમીત જીવન, ઉજાગરા, ચિંતા, ક્રેધી સ્વભાવ, હાર્મોનની વધઘટ, આર્તવ દોષ, મા-બાપનો વારસો બેરે અનેક કારણોમાંથી આ વિત્ત ખીલોનો ઉપદ્રવ થતો જોવામાં આવે છે.

ખીલોમાં પણ જુદા જુદા પ્રકાર થાય છે. કોઈને બાજરીયો ઘણો નીકળે તો કોઈને જારના દાણા જેવા નીકળ્યા હોય, તો કોઈને ચણા જેવડા મોટા ગુમડા પાકીને અંદર રસી ફૂટે. એક ન મટ્યું હોય ત્યાં તો બીજા ત્રણ થાય. એ માંડ મટે ત્યાં બીજા પાંચ થઈ જાય. આમ, કપાળ સહિત આખો સુંદર ચહેરો મોટા પાકતા ખીલોથી વિકૃત્ત થઈ જાય. ઘણાને મોટી જાતના ખીલો પછી ગાલ, ચહેરા ઉપર માતા પછીના ખાડા જેવા ખાડા પડી જાય જે ઘણી વખત બુરાતા નથી કે લાંબો સમય એ ખાડા રહેવાથી ચહેરાની સુંદરતામાં ઓટ આવી જતી હોય છે. ઘણાને ખીલ પછી નાના બાજરાના દાણા જેવું દાબીએ તો બી નીકળી જાય છે. ઘણાને ચહેરા સાથે વાંસામાં કે છાતીએ ખીલ નીકળતા હોય છે. તો ઘણાને ચહેરા ઉપર બિલકુલ ન હોય અને વાંસામાં ખીલ નીકળે છે. ઘણાને ખીલ વકરી જાય તો ચહેરા બેડોળ અને વિશેષ વિકૃત્ત થઈ જાય છે.
આ રોગ થાય એટલે સામાન્ય રીતે “યુવાની આવી" એમ આપણે હળવાશથી કહી દેતા હોય છે અને એ વાત થોડે ઘણે અંશે સાચી પણ છે. છતા આ રોગ બધા યુવાનો, યુવતીઓને થતો નથી પણ મોટા બે-ત્રણ કારણો વિશે વિચારીએ તો આ દોષ આમદોષ, પીત્તની વિકૃત્તિ, હોર્મોન તત્ત્વોમાં બગાડો, પાચન તંત્રમાં વિકૃત્તિ થઈ એક જાતનો લોહીમાં બગાડ થઈ ચહેરા ઉપર વિકૃત્ત ખીલ સ્વરૂપે પ્રગટ થઈ યુવાન, યુવતીઓના સૌન્દર્યવાન ચહેરા કદરૂપા બનાવીને સુંદરતાને ઠેકાણે કરી નાંખતો આ નાનો છતાં વિકૃત્ત અને હઠીલો રોગ છે.

આ રોગમાં કબજિયાત તો રહેવા દેવી જ નહીં. રોજ એક એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ અને અર્ધી ચમચી મંજીષ્ટાદિ ચુર્ણ સવારે, રાત્રે એક વર્ષ સુધી ચાલુ રાખો. સવાર-સાંજ લીમડાના ઉકાળેલા પાણીમાં નેપકીન બોળી સવાર-સાંજ ચહેરા ઉપર નવશેકો પાંચ-દશ મિનિટ બાથ આપો. દૂધની મલાઈ અને બાજરા, ચણાનો લોટ થોડો થોડો લઈ ત્રણેને પેસ્ટ જેવું બનાવી સવારે સ્નાન કરતી વખતે પાંચ મિનિટ લગાડી ચહેરો ધોઇ નાંખો, બપોર વચ્ચે એકાદ કલાક લીંબુનો રસ અને હળદર લગાડો.

આ મિશ્રણી લગાડવામાં ઓઈલી સ્કીન છે એમ માની ઘણા લગાડવામાં અચકાતા હોય છે તે ખોટું છે. ઓઈલી સ્કીન હોય કે ડ્રાય સ્ક્રીન હોય તે બધાએ આ મિશ્રણ લગાડવામાં કાંઈ વાંધો નથી. રોજ મગફળીના તેલ ફરસાણ સ્વરૂપે પેટમાં રેડ્યા કરો છો તેનો કોઈ વિચાર કરતું નથી. તો આ બધી રીતે ઉપયોગી અને અસરકારક મિશ્રણ ઉપર લગાડવામાં કાંઈ વાંધો હોય જ ન શકે. આ માટે ખાવાની દવાના ત્રણ પ્રયોગ કહુ છું તે ત્રણમાંથી કોઈ એક એક વર્ષ સુધી ચાલુ રાખો.

પ્રયોગ પહેલો : મઠ, ચોપચીની, ગાળો, આમળા, શતાવરી સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી એક એક ચમચી સવારે અને રાત્રે પાણી સાથે.

 પ્રયોગ બીજ :ખીલહર પીલ્સ, મુખદુસિકાવટી, આરોગ્યવર્ધની, ત્રિફળા, ગુગળ બધાની બબ્બે ગોળી સવારે, રાત્રે દૂધ સાથે.

પ્રયોગ ત્રીજો : રક્ત રોશન વટી, ચંદ્રચંદનવટી, મંજીષ્ટાદિવટી ત્રણેમાંથી બબ્બે ગોળી સવાર-સાંજ દૂધ સાથે ખીલ ઉપર લગાડવાના બે પ્રયોગ છે. ગુજ રાત્રે હરડે ચૂર્ણની અર્ધી ચમચી લેવી.
 
પ્રયોગ ચોથો :આંબા હળદર, શેષગુંદર, જામફળ, સફેદ વાળો, બીલાનો ગર્ભ, લીલી ધો સૂકવીને બધું સરખે ભાગે લઈ એકદમ બારીક પાવડર બનાવી રાત્રે લગાડો. ખોરાકમાં કડક પરેજી પાળો તો ચોક્કસ મટી જશે.તળેલા પદાર્થો, મીશ્રઇ, રાય, ખટાશ, મરચું તદ્દન બંધ કરો. દૂધ, લીલા શાકભાજી, ગાજર, કંદમૂળ, કાચા શાકભાજી લ્યો, ખટાશયુક્ત પીણા તદ્દન બંધ. નામનીએ ખટાશ, મરચું, મીઠાઈ અને ફરસાણો લેવા જોઈએ નહીં. તો આ સરસ અનુભવેલા પ્રયોગોથી વિકૃત ખીલો ચોક્કસ મટી જાય છે.

Post a Comment

Previous Post Next Post